સમાજ સમાજ વચ્ચે વૈમન્ય ઉભું કરવાના બનાવને વખોડી કાઢતા ખાંટ સમાજના આગેવાનો
રાજકોટ તા. ર૮: સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે કે, બે દિવસ પુર્વે રાજપુત સમાજના આગેવાન વજુભાઇ વાળા અને માવજીભાઇ ડોડીયા સહિતના રાજપુત આગેવાનોની એક મિટીંગ મળેલ હતી. તે મિટીંગમાં રાજપુત સમાજના અઢારેય ફીરકાઓને સાથે રાખી અમદાવાદ હાઇવે પર એક ભવ્ય મા ભવાની માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય સમસ્ત ક્ષત્રીય સમાજને એક કરવા માટે ખુબજ ગૌરવ લેવા લાયક નિર્ણય હતો.
આ નિર્ણય બાદ કોઇ આવારા તત્વોએ ફેસબુક ઉપર એક પર્સનલ બ્લોગ જેનું નામ ”રાજપુત સ્વાભીમાન અભિયાન” ઉપર એક પોસ્ટ કરેલ હતી તેમજ ”અકિલા” સાંધ્ય દૈનિકના હેડીંગનો ખોટો ઉપયોગ કરી રાજપુત સમાજના અઢારેય ફીરકામાંથી શ્રી સમસ્ત ખાંટ રાજપુત સમાજ અને ખવાસ સમાજ અને સોરઠીયા સમાજ અણીશુધ્ધ રાજપુત નથી એવો આ ત્રણ સમાજના નામ જોગ ઉલ્લેખ કરેલ છે. અને એવું લખેલ છે કે આ ત્રણ સમાજને સાથે રાખવા નહીં. કોઇ રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર આ ત્રણેય સમાજને ભવાની ધામ સાથે જોડવા ઇચ્છતા હોય તો આવનારા સમયમાં આવા આગેવાનોનો જાહેરમાં તીરસ્કાર કરવામાં આવશે. ભવાની માતાજીનું મંદિર બનશે પણ અણીશુધ્ધ રાજપુત દ્વારા જ બનશે. મંદિર સાથે જોડાયેલ રાજપુત સમાજના આગેવાનોમાં થોડું પણ રાજપુતી સ્વાભિમાન બચ્યું હોય તો શ્રી સમસ્ત ખાંટ રાજપુત સમાજ, ખવાસ સમાજ અને સોરઠીયા સમાજને મંદિર નિર્માણમાં સાથે ન જોડવા લખ્યું હતું.
આવી જ રીતે ફેસબુક અને અકિલા સાંધ્યની જેમ ”ગ્લોબલ બાઝાર” નામના ડિજીટલ મિડીયા ન્યુઝના હેડીંગ નો પણ ઉપયોગ કરેલ છે. આ રીતનું જ લખાણ એમાં દર્શાવી અને સોશ્યલ મિડીયામાં વાયરલ કરેલ છે. આવા તત્વોએ અકિલા સાંધ્ય દૈનિકના હેડીંગનો ખોટો ઉપયોગ કર્યો તે બદલ અકિલા સાંધ્ય મેનેજમેન્ટ ટીમ દ્વારા પણ રાજકોટ કમિશ્નરને ફરીયાદ કરેલ છે.
સોશ્યલ મિડીયામાં ખાંટ રાજપૂત સમાજને હિન દર્શાવતા શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજના લોકોની લાગણી દુભાઇ છે. આ લોકોએ ન્યુઝના ખોટા હેડીંગનો અને સોશ્યલ મિડીયાનો ગેરઉપયોગ કરી સમસ્ત રાજપુત સમાજ અને શ્રી સમસ્ત ખાંટ રાજપુત સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની કોશીષ કરેલ છે. આવા આવારા તત્વો સામે કાયદેસરના સખત પગલા લેવામાં આવે તેવી સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ટ્રસ્ટના આગેવાનોએ માંગણી ઉઠાવી છે.